Home » Blog » થળી જાગીર મઠ વિવાદ : મઠને પોલીસ છાવણીમાં ફેરવાયું, દર્શન પર પ્રતિબંધ

થળી જાગીર મઠ વિવાદ : મઠને પોલીસ છાવણીમાં ફેરવાયું, દર્શન પર પ્રતિબંધ

ગાદીપતિ મુદ્દે 29/09/2025ના રોજ નિર્ણય અપાશે
બનાસકાંઠા, તા. 29 સપ્ટેમ્બર 2025
કાંકરેજ તાલુકાના ગંગાપુરા થળી જાગીર મઠમાં ગાદીપતિને લઈને દસ મહિના પહેલાથી ચાલતો વિવાદ હજુ યથાવત છે. ૧૦૦૮ મહંત શ્રી જગદીશપુરી બાપુના નિધન બાદ નવા મહંતની પસંદગી અંગે દશનામ ગોસ્વામી સમાજ અને દેવ દરબાર વચ્ચે મતભેદો ઉભા થયા હતા.
દશનામ ગોસ્વામી સમાજ દ્વારા બ્રહ્મલીન મહંત જગદીશપુરી બાપુના ભત્રીજા કાર્તિકપુરીને ચાદરવિધિ કરાવી નવા મહંત તરીકે બેસાડવામાં આવ્યા, જ્યારે દેવ દરબારના ૧૦૦૮ મહંત શ્રી બળદેવનાથ બાપુએ પરંપરા મુજબ ૧૦૦૮ શંકરપુરી બાપુને મહંત તરીકે બેસાડ્યું. આ વિવાદ દરમિયાન શંકરપુરી બાપુનું અપહરણ પણ થવા પામ્યું હતું, જેને લઈને શિહોરી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
ત્યાંથી મુદ્દો કોર્ટ અને ચેરિટી કમિશનર પાસે ચાલી રહ્યો છે. હવે 29 સપ્ટેમ્બરે આ મામલે નિર્ણય આવનાર હોવાથી થળી જાગીર મઠને કડક પોલીસ બંદોબસ્ત હેઠળ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે અને દિયોદર પોલીસ અધિક્ષક એસ.આર. ભારાઈની દેખરેખ હેઠળ શિહોરી પીઆઈ કિરીટસિંહ બિહોલા તથા તજવીજમાં જોડીદાર પોલીસ સ્ટાફે સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે.
આ દરમિયાન ચુકાદો ન આવતા મઠમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ પ્રતિબંધિત રાખવામાં આવ્યો છે. પોલીસ આ વિસ્તારમાં સતત નજર રાખી રહી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન થાય તેની ખાતરી કરી રહી છે.

Facebook
X
WhatsApp
Telegram