આજુબાજુ ગામોના લોકોએ ભાગ લઇ તેમના પિતૃઓનું તર્પણ કર્યું
ભાદરવા વદ-એકમથી ભાદરવા વદ-અમાસ સુધી શ્રાદ્ધ પક્ષ ગણવામાં આવે છે. આપણા હીન્દુ શાસ્ત્રમાં 16 શ્રાદ્ધનું પણ વિશેષ મહત્વ રહેલું છે. શ્રાદ્ધનો અંતિમ દિવસ એટલે કે, સર્વ પિતૃ અમાવસ છે જે લોકોને તેમના વડવાઓની મૃત્યુ તીથી ખબર નથી. તેઓ સર્વ પિતૃ અમાવસ્યા પર શ્રાદ્ધ કરી શકે છે કહેવાય છે કે, આ દિવસ કરેલ શ્રાદ્ધ કર્મ દરેક પિતૃને પહોંચે છે. શ્રાદ્ધ વિધી બાદ અમાવસ્યા સમાપ્ત થયા બાદ પીતરને વિદાય આપીને તેમના આશિષ લઇને નવા કાર્યોની શરૂઆત થતી હોય છે. જેને લઇને દર વર્ષે ભાદરવા વદ-અમાવસના દિવસે ગાયત્રી સંસ્કાર કેન્દ્ર-જૂના માલગઢમાં ગાયત્રી પરિવાર દ્વારા સામૂહીક શ્રાદ્ધ તર્પણનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે યોજાયેલા સામૂહીક શ્રાદ્ધ તર્પણમાં આજુબાજુના ગામોમાંથી લોકો ઉપસ્થિત રહી તેમના પિતૃઓનું તર્પણ કર્યું હતું. જૂના માલગઢમાં ગાયત્રી સંસ્કાર કેન્દ્રમાં સંપૂર્ણ શાસ્ત્રોકત વિધી વિધાન સાથે પિતૃઓને તર્પણ વિધી કરવામાં આવી હતી. ત્યારબાદ ગાયત્રી યજ્ઞ સાથે આહુતી અર્પણ કરી પિતૃ ભોજન લેવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાયત્રી સંચાલક લક્ષ્મણસિંહ દરબાર, સંગ્રામસિંહ દરબાર, મોહનલાલ પી. પઢિયાર, સુખદેવભાઇ એસ. ટાંક, ભાવિક ભક્તો અને ગાયત્રી સંસ્કાર કેન્દ્ર જૂના માલગઢના તમામ પરિવારજનો સહીત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સામૂહીક શ્રાદ્ધ તર્પણ વિધીનો લાભ લીધો હતો.
